WELCOME TO

Navalpur Gram Panchayat

નવલપુર ગામ નારીશક્તિ વડે બન્યું નવતર નમૂનો:
સરપંચથી લઈને દરેક સભ્ય સુધી મહિલાઓની બિનહરીફ પસંદગી.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલના પ્રેરણાદાયી નેતૃત્વમાં નવલપુર ગામના વિકાસને મળી નવી દિશા.

સમરસતાના સોનેરી પાંદડે ખીલેલું નારીશક્તિનું ફૂલ એટલે નવલપુર ગ્રામ પંચાયત.

એકતા, નારી શક્તિ અને વિકાસ સાથે નવલપુર બન્યું લોકશાહીનું આદર્શ મોડલ.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાનું નાનકડું પણ સંપીલુ ગામ નવલપુર આજે ગુજરાતના નકશા પર એક અનોખી ઓળખ ઉભી કરી રહ્યું છે. કારણ સ્પષ્ટ છે – અહીંની આખી ગ્રામ પંચાયત બિનહરીફ ચૂંટાયેલી મહિલાઓથી રચાઈ છે. સરપંચથી લઈને ઉપસરપંચ અને દરેક સભ્ય પદ પર મહિલા નેતાઓની સર્વસંમતીથી ચૂંટાઈ છે. આ માત્ર ચૂંટણી નથી, એ તો નારી શક્તિ અને સમરસતાની સંયુક્ત જીત છે.

image

નવલપુર ગામની મહિલા સમરસ પંચાયત નારી શક્તિના સશક્ત દ્રષ્ટાંત રૂપે ઉભરી આવી છે. ખાસ વાત એ છે કે નવલપુર ગામના જ વતની જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ પણ મહિલા છે અને તેમના સશક્ત નેતૃત્વ તેમજ વ્યકિતગત એપ્રોચના પરિણામે આજે ગામ વિકાસની નવી ગતિ પકડી રહ્યો છે.જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના પોતાના મૂળ ગામ પ્રત્યેની લાગણી અને સતત માર્ગદર્શન ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. તેમના પ્રયાસોથી ગામમાં વિકાસને લગતી નોંધપાત્ર કામગીરી થઇ રહી છે.

ગામમાં સ્વચ્છતાની જાળવણી માટે ભૂગર્ભ ગટર અંગે સો ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. સાથે જ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યોગ્ય રીતે કરાયું છે. વધુમાં ગંદુ પાણી એકત્રિત કરી ફરીથી રી યુઝ થઈ શકે અને તેમાંથી ખાતર બનાવી પંચાયત આર્થિક ઉપાર્જન કરી શકે તેવા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગ્રે વોટર ટ્રીટમેન્ટ થકી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની દિશામાં નવલપુર ગામ આગળ વધી રહ્યું છે.
આ ગામ પશુપાલન સાથે જોડાયેલું છે. તેથી ગામમાં કોઈપણ પ્રકારનો રોગચાળો ફેલાઈ નહી તે માટે ગામની મહિલાઓએ જુદી જુદી જગ્યાએથી ઉકરડા ખસેડીને ગામની દુર એક જગ્યાએ ઉકરડા કરી ‘ગોબર બેંક’નું નિર્માણ કર્યું છે.

નવલપુર ગામ ખાતે વિદ્યાર્થીઓના એજ્યુકેશનલ ટુર માટે થ્રીડી પ્લેનીટોરીયલ હોલ તેમજ ડિજિટલ લાઈબ્રેરી અંગેની સૈધ્યાંતિક મંજૂરી મળી ગઈ છે. આવનાર સમયમાં આ અંગે પણ કામ હાથ ધરનાર છે. પંચાયતમાં સીએસસી સેન્ટર ખાતે લગભગ 180 થી વધુ સેવાઓ આપવામાં આવી રહી છે. ગામની અંદર આધુનિક સ્મશાનનું કામ પણ પ્રગતિમાં છે.
અહીંના ગ્રામજનોએ રાજકીય વિરોધ નહીં, પણ સહયોગની ભાવનાને વરણી છે.લોકશાહીશકિત થકી આંશિક નહીં પણ આખી પંચાયત મહિલાઓને ભરોસે સોંપી દેવાઈ છે.

નવલપુરના વતનીઓ માટે આ અભિમાનની વાત છે કે તેઓ એવા યુગના સાક્ષી બની રહ્યાં છે, જ્યાં મહિલા નેતૃત્વ એક નવી વિકાસગાથા રચી રહ્યું છે.અંતરદૃષ્ટિ, સહનશીલતા, સહકાર અને પારદર્શિતા – મહિલાઓની આ ચાર વિશેષતાઓ હવે પંચાયતના કામકાજમાં નભાવી રહી છે.
નવલપુરની નવી પંચાયત એ ઉદાહરણ છે જ્યાં ગામની લિડીંગ ભૂમિકામાં મહિલાઓને સ્થાન છે.સમરસ ભાવનાને વધાવ્યો છે.અહીં પંચાયતી રાજ ખાલી ઔપચારિકતાની વ્યવસ્થા નહીં પણ લોકશાહીનો ઉત્સવ બન્યો છે.
નવલપુરનું નારીલક્ષી અને સમરસતાથી ભરેલું આ લોકશાહી નમૂનો સમગ્ર ગુજરાત અને દેશ માટે એક જીવીત પ્રેરણા છે.

નવલપુર ગામ